“સરસ્વતીચંદ્ર’ નવલકથાનાં પાત્રો એક અજબ જીવંતકળાથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગૂંથ્યા છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે વિદ્યાચતુરના કુટુંબ પર મોટી આફત આવી પડી. દીકરી કુમુદના જીવનની વેદનાથી દુઃખી થયેલા વિદ્યાચતુર, કુસુમ પરણીને દુઃખી થાય એના કરતાં આજીવન કુંવારી રહે એવું વિચારતા હતા.
બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતા-પિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠણ જીવન જીવવાનું નક્કી કર્યું. માળણની ઝૂંપડી અને વાડીની કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી.
એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો કર્યો. તેમાં દેવતા સળગાવી તેનાં પર ખીચડી મૂકી. પોતે ઈંટ પર બેઠી. તાપ સળગાવવા માટે ફૂંક મારવા જતાં રાખ તેનાં મોં પર ચોંટી ગઈ. એ વખતે સુંદરકાકી તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા.
કુસુમનો આવો વેશ જોઈને એ સ્તબ્ધ થઈ ગયા. આવો વેશ ન કાઢવા સુંદરે કુસુમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. પણ કુસુમ મક્કમ હતી. છેવટે સુંદર કુસુમનાં માતા-પિતાને આ વેશની વાત ન કહેવાની શરતે કુસુમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો.
કુસુમ બુદ્ધિધન, સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત સાથે લગ્ન કરવાની ના પડે છે. કુમુદના સસરા બુદ્ધિધન તેના પિતા સમાન છે અને ચંદ્રકાંતને પહેલી પત્ની છે. સુંદર પણ બુદ્ધિધન અને ચંદ્રકાંત સાથે લગ્ન ન કરવા સહમત થાય છે પણ સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવા સમજાવે છે.
પણ કુસુમ મીરાંબાઈ જેવું જીવન જીવવાનું કહે છે ત્યારે ગુસ્સે થયેલી સુંદરનાં આકરા શબ્દોને કારણે કુસુમ તેની પાછળ પાછળ જાય છે. આમ, કુસુમનું પાત્ર સમગ્ર ખંડમાં મહત્ત્વનું છે.