‘એકસરખા દિવસ સુખના …’ કાવ્યમાં કવિ પ્રભુલાલ દ્વિવેદીએ માનવજીવનનું ચિંતન રજૂ કર્યું છે. એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી માટે જ શાણા લોકોએ કદી ધનવૈભવથી ફૂલાવું ન જોઈએ. નસીબ સાથ આપે કે ન આપે તેની પરવા ન રાખવી જોઈએ.
કવિ કહે છે કે, “જે ખીલે છે એ એક દિવસ અવશ્ય કરમાય છે, જેનું સર્જન તેનો અવશ્ય સંહાર થાય છે. જે ચડે તે પડે એ કુદરતનો ક્રમ છે એને કોઈ બદલી શકતું નથી. એ જ સનાતન સત્ય છે. સમય જેવું કોઈ બળવાન નથી અર્જુન જેવા મહાન બાણાવળીને ધનુષબાણ હોવા છતાં કાબાએ લૂંટી લીધો હતો.
કદી નસીબને ભરોસે રહેવું નહીં. નસીબ જો સાથ ન આપે તો રાજા પણ પળવારમાં રંક બની જાય છે. ધન, જન, સંપત્તિ કે સાહ્યબી સાથે આવતી નથી. ઈશ્વરના દરબારમાં ખાલી હાથે જ જવાનું છે. માટે કવિ સજ્જનને અભિમાન ત્યજવાનું અને દુષ્કર્મોથી ડરવાનું કહે છે. મોતથી ડરવું નહીં.
મોત એક જ વાર આવવાનું છે. આપનું ધાર્યું કંઈ થતું નથી, ઈશ્વરનું જ ધાર્યું થાય છે. મુશ્કેલીમાં રહેલા માણસને કદી હેરાન ન કરવો. દાક્યા પર ડામ દેવાનું કામ તો દુર્જનનું છે.
અહીં કવિએ અહંકાર છોડીને ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારીને અન્યને ઉપયોગી થવાનો બોધ આપ્યો છે.