સુંદર કુસુમને શોધતી હતી. પ્રાત:કાળથી કુસુમ એમને 8 જડતી ન હતી. કુસુમ જે જગ્યાએ હોય એવી ખાતરીવાળી જગ્યાએ એ ન મળી. માળણની ઓરડીની પાછળ કંઈક સળવળાટ સંભળાયો. તેથી સુંદરે એ તરફ કાન માંડ્યા.
એમણે જોયું માળણની ઝૂંપડી અને વાડીના કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી. એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો કર્યો હતો. તેમાં દેવતા સળગાવી તેનાં પર ખીચડી મૂકી. પોતે ઈંટ પર બેઠી હતી.
શરીર પરના બધા જ અલંકારો કાઢી નાખ્યા હતા. માળણના સાલ્લા જેવો સાલ્લો પહેરેલ યુવતી એ જ કુસુમ હતી. પણ એક નજરે એ ઓળખાઈ જ નહીં. સુંદર શ્વાસ રોકી, સ્તબ્ધ થઈને છાતીએ હાથ મૂકીને કુસુમનો ચિત્રવેશ જોતી રહી.