નૅશનલ ઇન્ડિયન એસોસિયેશનવાળા મિસ મેનિંગને ત્યાં ગાંધીજીની હેમચંદ્ર સાથે મુલાકાત થઈ. લેખક તરીકે એ જાણીતા હતા. તેમની અભ્યાસ પ્રીતિ, ભાષાજિજ્ઞાસા, નિખાલસતા, નિરાભિમાન, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ જેવા ગુણોને કારણે રાષ્ટ્રપિતા ગાંધી એના પર મોહિત થયા હતા.
નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન, ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા.
કાર્ડિનલ મેનિંગ અને જન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા જવાનું નક્કી કર્યું. ગાંધીજીએ દસ્તૂર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું એથી ગાંધીજીએ વિનોદ કર્યો ત્યારે હેમચંદ્રે કહ્યું કે, “મહાપુરુષો કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.”
નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું જ્ઞાન નહિવત્ હતું, પણ બધી જ ભાષા શીખીને તેના અનુવાદ દ્વારા મહાને પુરુષોના અવિરલ પુસ્તકોનું જ્ઞાન લોકો સુધી તેમને પહોંચાડવું હતું. તેમને અલગ અલગ દેશોનો પ્રવાસ કરવાનો શોખ હતો. તેમનું જીવન એકદમ સાદું અને સરળ હતું.
અમેરિકામાં એમના અસભ્ય પોશાક માટે તેમની ધરપકડ થઈ. પણ પછીથી તેમના જીવનના સિદ્ધાંતોને કારણે તેમને છોડી દીધા હતા.
આમ, નારાયણ હેમચંદ્ર અલગ વ્યક્તિત્વ ધરાવતા અનોખા ઇન્સાન હતા.