ગુજરાતી સાહિત્યજગતમાં સંતકવયિત્રી તરીકેની પ્રસિદ્ધિ મેળવનાર ગંગાસતીના પ્રચલિત ભજનમાંનું આ એક ભજન છે. પ્રસ્તુત ભજનમાં ખૂબ જ સરળ શબ્દોમાં ક્રોધ પર વિજય મેળવવાના માર્ગો દર્શાવ્યા છે.
આપણાં ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને પરિપુ કહ્યા છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ છ મહાશત્રુ પર વિજય મેળવવો ખૂબ કપરો છે. ગંગાસતી પાનબાઈને કહે છે કે, જેમણે અધ્યાત્મના માર્ગે પ્રયાણ કરવું હોય તેણે ક્રોધ પર વિજય મેળવવો જ રહ્યો. ક્રોધ જ સર્વ દુઃખોનું કારણ છે.
માનવીએ ક્રોધ પર વિજય મેળવવા સર્વ સાથે સમાનભાવે વર્તવું જોઈએ. સંસારની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. હૃદયની નિર્મળતાથી મનમાં રહેલા વિરોધને ટાળવો જોઈએ. મનને પવિત્ર અને વૈરાગી રાખીને કામ પર વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા જાણીને દુર્જનનો સંગ પણ ટાળવો જોઈએ.
આમ, આ પદમાં ક્રોધનાં કારણોની સાથે તેના નિવારણના ઉપાયો પણ બતાવાયા છે.